સત્ય વિચાર દૈનિક

કપડવંજ: મોડી રાત્રે નોકરી પતાવી ઘરે પરત ફરી રહેલા ધૂળીયા વાસણા ગામના ડમ્પર ચાલકનું શંકાસ્પદ મોત, બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

કપડવંજ: મોડી રાત્રે નોકરી પતાવી ઘરે પરત ફરી રહેલા ધૂળીયા વાસણા ગામના ડમ્પર ચાલકનું શંકાસ્પદ મોત, બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી


કપડવંજ તાલુકાના ધૂળીયાવાસણા ગામના માર્ગ પર ગત મોડી રાત્રે એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. વડાગામની ક્વોરીમાં ડમ્પર ચાલક તરીકે ફરજ બજાવતા ૩૨ વર્ષીય પંકજકુમાર કાળાભાઈ ઝાલાનો મૃતદેહ અત્યંત વિકૃત હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મોડી રાત્રે ૨ વાગ્યા સુધી નોકરી પર હતા તેવું પરિવારજનો એ જણાવ્યું

મળતી વિગતો અનુસાર, પંકજભાઈ વડાગામ ખાતે  ક્વોરીમાં ડમ્પર ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. ગત રાત્રે આશરે ૨:૦૦ વાગ્યાની આસપાસ તેઓ પોતાની નોકરી પૂર્ણ કરી, જીતપુર ખાતે ગાડી છોડીને પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા હતા તેવી માહિતી તેમના કાકા રમેશભાઈ ઝાલાએ આપી હતી.જોકે, ઘરે પહોંચે તે પહેલા જ કાળ તેમને ભરખી ગયો હતો. વહેલી સવારે ૪:૦૦ વાગ્યાની આસપાસ ગામના એક જાગૃત નાગરિકની નજર રોડ પર પડેલા માથાનો ભાગ અતિ વિકૃત રીતે છૂંદાયેલ મૃતદેહ પર પડતા આ ઘટના પ્રકાશમાં આવી હતી.

મૃતક પંકજભાઈના માથાનો ભાગ કોઈ ભારે વાહનના ટાયર નીચે આવી જવાથી સંપૂર્ણપણે છૂંદાઈ ગયો હતો. ઘટનાની ભયાનકતા જોતા અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે. મધ્યરાત્રિના સમયે આ અકસ્માત સર્જીને કયું વાહન ફરાર થઈ ગયું તે તપાસનો વિષય છે. પોલીસે આ મામલે રહસ્યનો તાગ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

માત્ર ૩૨ વર્ષની ઉંમરે પંકજભાઈનું આકસ્મિક મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મૃતક પંકજભાઈ પોતાના પાછળ બે નાનકડા પુત્રો અને પત્ની સહિત પરિવારને રડતા મૂકી ગયા છે. ઘરના મોભીના આવા કરુણ અંતથી ધૂળીયાવાસણા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળા ઉમટ્યા હતા. કપડવંજ પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. રાત્રિના ૨ થી ૪ ના સમયગાળા વચ્ચે શું બન્યું? શું કોઈએ જાણીજોઈને ટક્કર મારી કે આ એક હિટ એન્ડ રનનો કેસ છે? તે દિશામાં પોલીસે તપાસના ધમધમાટ તેજ કર્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!