સત્ય વિચાર દૈનિક

વિકાસ વગર વોટ નહીં!” — મહુધાના ફિણાવ ગામે કર્યો ચૂંટણીનો બહિષ્કાર, ૧૫ વર્ષના અવગણનાનો વિસ્ફોટ

વિકાસ વગર વોટ નહીં!” — મહુધાના ફિણાવ ગામે કર્યો ચૂંટણીનો બહિષ્કાર, ૧૫ વર્ષના અવગણનાનો વિસ્ફોટ

રિપોર્ટર: નિસાર શેખ, મહુધા


ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ફિણાવ ગામમાંથી એક ચોંકાવનારી અને રાજકીય રીતે મહત્વપૂર્ણ ખબર સામે આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ ગામના ખ્રિસ્તી સમાજે એકમતથી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગામના પ્રવેશદ્વારે લગાવવામાં આવેલા બેનરોમાં “વિકાસ વગર વોટ નહીં… વિકાસ આપો તો જ વોટ…” જેવા તીખા સંદેશાઓ સ્પષ્ટ રીતે રાજકીય તંત્ર સામેનો રોષ વ્યક્ત કરે છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા ૧૫ વર્ષથી ગામ પાયાની સુવિધાઓથી વંચિત છે. ખરાબ હાલતમાં રસ્તાઓ, ગટર વ્યવસ્થાનો અભાવ, ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ તેમજ બંધ પડેલી સ્ટ્રીટ લાઇટોના કારણે રાત્રે છવાતો અંધકાર—આ બધી સમસ્યાઓથી ગ્રામજનો પરેશાન છે.

ગામજનોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ રાજકીય નેતા કે સરકારી અધિકારી તેમના પ્રશ્નો ઉકેલવા આગળ આવ્યા નથી. ચૂંટણી આવે ત્યારે જ મત માંગવા આવતા નેતાઓ વિકાસના મુદ્દે સંપૂર્ણ મૌન ધારણ કરે છે. આથી નારાજ થઈ ખ્રિસ્તી સમાજે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે—“પહેલાં વિકાસ, પછી વોટ… નહિ તો બહિષ્કાર જ.”

ફિણાવ ગામમાં ખ્રિસ્તી સમાજની નોંધપાત્ર મતદારોની સંખ્યા હોવાથી આ નિર્ણય ખેડા જિલ્લાના રાજકારણમાં ભારે અસર પાડી શકે છે. હવે નજર છે કે સ્થાનિક નેતાઓ અને પ્રશાસન આ ઉગ્ર સંદેશને કેટલું ગંભીરતાથી લે છે અને વિકાસના પ્રશ્નો પર શું પગલાં ભરે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!