સત્ય વિચાર દૈનિક

વિદ્યાર્થી યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ કથિત કૌભાંડનો પર્દાફાશ કરતાં વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યું; બે સાક્ષીઓ સહિત અજાણ્યા શખ્સ સામે ફોજદારી ગુનો બાયડના સબ રજીસ્ટાર દ્વારા દાખલ

વિદ્યાર્થી યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ કથિત કૌભાંડનો પર્દાફાશ કરતાં વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યું; બે સાક્ષીઓ સહિત અજાણ્યા શખ્સ સામે ફોજદારી ગુનો બાયડના સબ રજીસ્ટાર દ્વારા દાખલ


ગુનાહિત કાવતરું: મૃતક છગનજી જીવણજી પટેલની માલિકીની કરોડોની જમીન હડપ કરવાના ઇરાદે અજાણ્યા શખ્સ દ્વારા રચાયું ભેજાબાજ કાવતરું


બાયડ સબ રજિસ્ટ્રાર કચેરીમાં મોટું જમીન કૌભાંડ: મૃતકનું નકલી નામ ધારણ કરી પાવર ઓફ એટર્નીનો બોગસ દસ્તાવેજ બનાવ્યો!

સત્ય વિચાર, અરવલ્લી

બાયડ મામલતદાર કચેરી સ્થિત સબ રજિસ્ટ્રાર કચેરીમાં સરકારી દસ્તાવેજોના આધારે આચરવામાં આવેલી એક ચોંકાવનારી છેતરપિંડી અને મસમોટા જમીન કૌભાંડનો પર્દાફાશ થયો છે. એક અજાણ્યા ભેજાબાજ શખ્સે કાયદાની આંખમાં ધૂળ નાખીને, ગુજરી જનાર વ્યક્તિનું ખોટું નામ ધારણ કરી જમીનનો કબજો સહિતનો પાવર ઓફ એટર્ની (કુલમુખત્યારનામું)નો બોગસ દસ્તાવેજ ગેરકાયદેસર રીતે રજિસ્ટર કરાવી લીધો હોવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે.

યુવરાજસિંહ જાડેજાની પ્રેસ કોન્ફરન્સ બાદ તંત્ર હરકતમાં

આ ચકચારી કથિત કૌભાંડના મજબૂત પુરાવાઓ સાથે વિદ્યાર્થી યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ એક ધડાકાભેર પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કૌભાંડના સજ્જડ પુરાવાઓ જાહેર મંચ પર લાવીને તેમણે તંત્રની પોલ ઉઘાડી પાડી હતી. આ પર્દાફાશને પગલે સમગ્ર વહીવટીતંત્ર તાબડતોબ એક્શન મોડમાં આવી ગયું હતું. આખરે ગાંધીનગર સ્થિત ઉચ્ચ કચેરીમાંથી તાત્કાલિક મંજૂરી મળતાં જ બાયડ સબ રજિસ્ટ્રારે આ કેસમાં કાયદેસરની ફોજદારી ફરિયાદ નોંધાવી છે.
પોલીસ રેકોર્ડ પર આવેલી સત્તાવાર ફરિયાદની વિગતો મુજબ, બાયડના વાસણીરેલના વતની અને હાલ મરણ જનાર છગનજી જીવણજી પટેલની કિંમતી જમીન પચાવી પાડવાના સદંતર બદઇરાદા સાથે આ આખું કાવતરું ઘડવામાં આવ્યું હતું. મુખ્ય અજાણ્યા આરોપીએ પોતે જ મૃતક છગનજી પટેલ હોવાનું ખોટું નામ ધારણ કરી, ખોટા અને કૂટવાળા ડોક્યુમેન્ટ્સ ઊભા કર્યા હતા. ત્યારબાદ ગત તારીખ 8 એપ્રિલ 2025 ના રોજ બાયડ સબ રજિસ્ટ્રાર કચેરીમાં રૂબરૂ જઈને દસ્તાવેજ નંબર 1178/2025થી જમીનનો પાવર ઓફ એટર્ની કબજા સહિતનો લેખ કરાવી સરકારી ચોપડે નોંધણી કરાવી લીધી હતી. આ ગેરકાયદેસર નોંધણી વખતે બે સાક્ષીઓએ પણ સબ રજિસ્ટ્રાર સમક્ષ ખોટી જુબાની આપીને ગુનામાં સીધી ભાગીદારી નોંધાવી હતી.

ગુનાહિત કાવતરાના મુખ્ય આરોપીઓ
અજાણ્યો મુખ્ય શખ્સ (જેણે મૃતક છગનજી જીવણજી પટેલ હોવાનો ઢોંગ કરી ખોટું નામ ધારણ કર્યું)
1.જગદીશકુમાર બાબુભાઈ પરમાર(રહે. બરેલા વગો, કાલસર, તા. ઠાસરા, જિ. ખેડા) ખોટી સાક્ષી પૂરનાર મદદગાર
2.ચેતનસિંહ પર્વતસિંહ સોલંકી(રહે. બીબીની વાવ, ગામ. બાયડ, તા. બાયડ, જિ. અરવલ્લી) ખોટી સાક્ષી પૂરનાર મદદગાર


આરોપી જગદીશકુમાર બાબુભાઈ પરમાર અને ચેતનસિંહ પર્વતસિંહ સોલંકીએ પૂરેપૂરી ગુનાહિત દાનતથી આ અજાણ્યા બોગસ માણસને જ ‘સાચા છગનજી જીવણજી પટેલ’ તરીકે ઓળખાવી સબ રજિસ્ટ્રાર સમક્ષ ખોટી સાક્ષી પૂરી હતી અને સરકારી રજિસ્ટ્રેશનમાં ગંભીર છેતરપિંડી આચરી એકબીજાની મદદગારીથી મોટું ગુનાહિત કૃત્ય કર્યું હતું.


નોંધણી અધિનિયમ 1908ની કલમ 82 મુજબ, સબ રજિસ્ટ્રાર સમક્ષ ખોટું નામ ધારણ કરવું કે અસત્ય નિવેદન આપવું એ અત્યંત ગંભીર અને દંડનીય ગુનો બને છે. પ્રાથમિક તપાસમાં જ આ ગંભીર કૌભાંડ સ્પષ્ટપણે ફલિત થતાં બાયડના સબ રજિસ્ટ્રાર કુમારી પલકબેન શામળભાઈ પટેલે આરોપીઓ સામે કડક કાયદાકીય પાઠ ભણાવવા કલમ 83 હેઠળ ફોજદારી કાર્યવાહી કરવા માટે ‘નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર’ પાસે કાયદેસરની મંજૂરી માંગી હતી.
ગાંધીનગર મુખ્ય કચેરી તરફથી તા. 29-06-2026ના રોજ આદેશાત્મક પત્ર દ્વારા મંજૂરી મળતાં જ, તા. 1 જુલાઈ 2026ના રોજ બાયડ પોલીસ મથકે તમામ આરોપીઓ વિરૂદ્ધ આકરી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!