આપના નેતા યુવરાજસિંહ જાડેજાએ લીધી મુલાકાત: પીવા અને સિંચાઈના પાણી ઝેરી બનવા છતાં તંત્ર નિષ્ક્રિય હોવાનો ગ્રામજનોનો આક્રોશ,રોગચાળાના ભય હેઠળ મજબૂર
બાલાસિનોર, શનિવાર:
બાલાસિનોરની સ્થાનિક ડમ્પિંગ સાઇટ આસપાસના રહીશો માટે જીવનું જોખમ બની ગઈ હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આસપાસની ઔદ્યોગિક કંપનીઓ દ્વારા નિયમોને નેવે મૂકીને ઠલવાતા ઝેરી કેમિકલ યુક્ત કચરાના કારણે સ્થાનિક ભૂગર્ભ જળ એટલી હદે પ્રદૂષિત થઈ ગયા છે કે ગામના પરંપરાગત કુવાઓ અને બોરમાંથી હવે લોહી જેવું લાલ ચટક અને દૂષિત પાણી નીકળી રહ્યું છે. આ માનવજીવનને જોખમમાં મૂકતી પરિસ્થિતિની વાસ્તવિકતા તપાસવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા અને વિધાર્થી યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ બાલાસિનોર ડમ્પિંગ સાઇટની રૂબરૂ મુલાકાત લીધી હતી. કૂવાની ગંભીર સ્થિતિ અને પ્રદૂષિત લાલ પાણી પ્રત્યક્ષ જોઈને તેમણે વહીવટી તંત્ર તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ની કામગીરી સામે આકરા સવાલો ઉઠાવી જવાબદારોની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે આ મુદ્દે જનતાના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરનારાઓ સામે કાયદાકીય અને આંદોલનાત્મક પગલાં ભરવાની ખુલ્લી ચીમકી ઉચ્ચારી છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ડમ્પિંગ સાઇટ પર ગેરકાયદેસર રીતે ફેંકાતા રાસાયણિક કચરાના લીધે આસપાસના તમામ જળસ્ત્રોતો સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યા છે. ગામના રહીશો અત્યારે અત્યંત ભયાનક સ્થિતિમાં જીવી રહ્યા છે, કારણ કે કૂવાઓમાંથી અસહ્ય દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે જે પીવાલાયક બિલકુલ રહ્યું નથી. આ કેમિકલયુક્ત પાણી એટલું હાનિકારક છે કે જો તેને ખેતીમાં સિંચાઈ માટે વાપરવામાં આવે તો ઊભો પાક બળીને ખાખ થઈ જાય છે, જેના લીધે ખેડૂતોની આજીવિકા સંકટમાં મુકાઈ ગઈ છે. પીવા તેમજ ખેતી ઉપરાંત રોજિંદા વપરાશ જેવા કે કપડાં ધોવા, નાહવા કે પશુઓને પીવડાવવા માટે પણ ગ્રામજનો પાસે આ લાલ ઝેરી પાણી વાપરવા સિવાય કોઈ અન્ય વિકલ્પ બચ્યો નથી.
આ સમગ્ર મામલે તંત્રની ઘોર નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઔદ્યોગિક કેમિકલ વેસ્ટ ઓપન ડમ્પિંગ સાઇટ પર કેવી રીતે પહોંચી રહ્યો છે અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ કેમ આંખ આડા કાન કરી રહ્યા છે તેવા તીખા સવાલો ઉઠી રહ્યા છે. પ્રદૂષિત પાણીના કારણે સ્થાનિકોમાં કેન્સર અને ચામડીના ગંભીર રોગો થવાનું જોખમ તોળાઈ રહ્યું છે ત્યારે પર્યાવરણના નિયમોના લીરેલીરા ઉડાડતી કંપનીઓ સામે હજુ સુધી કોઈ ફોજદારી ગુનો કેમ દાખલ કરવામાં આવ્યો નથી તે મોટો સવાલ છે. વર્ષોથી લેખિત-મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો આ ઝેરી પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે અને કેમિકલ વેસ્ટનો નિકાલ બંધ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર બાલાસિનોરની જનતા રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન કરશે.







