સત્ય વિચાર દૈનિક

યુવરાજસિંહ જાડેજાએ છોટાઉદેપુરની ‘માઁ ગાયત્રી નર્સિંગ કોલેજ’ અને કાયાવરોહણની ‘લક્ષ્મીનારાયણ કોલેજ’ના મિલિભગતથી ચાલતા મસમોટા કથિત શૈક્ષણિક કૌભાંડ બાબતે ગંભીર આક્ષેપ 

શૈક્ષણિક માફિયાઓ સામે ખુલ્લા જંગનું રણશિંગુ ફૂંકતા વિધાર્થી યુવા નેતા યુવરાજસિંહ જાડેજા

B.sc નર્સિંગ કોર્સની મંજૂરી વગર પ્રવેશ માઁ ગાયત્રી નર્સિંગ કોલેજમાં અને સત્તાવાર ચોપડે નામ લક્ષ્મીનારાયણ કોલેજમાં હોવાના ગંભીર આક્ષેપ

છોટાઉદેપુરમાં ‘માઁ ગાયત્રી નર્સિંગ કોલેજ’ નું મસમોટું કૌભાંડ: આદિવાસી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં, લાખોનું આર્થિક શોષણ અને સરકારી ગ્રાન્ટો ઓહિયાં કરવાનું પાપ કરતા હોવાની આશંકા

ગુજરાત નર્સિંગ કાઉન્સિલ (GNC) અને આદિજાતિ વિભાગ સામે યુવા નેતા અને વિદ્યાર્થીઓ કરશે ઉગ્ર રજૂઆત: ૧૫ દિવસમાં ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી.

અમદાવાદ/ છોટાઉદેપુર:


ગુજરાતમાં શિક્ષણના નામે ચાલતી કાળી કમાણી અને આદિવાસી વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓના શોષણનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. છોટાઉદેપુર ફતેપુરા રોડ પર આવેલી ‘માઁ ગાયત્રી કોલેજ ઓફ નર્સિંગ’ (ગાયત્રી કોલેજ ઓફ નર્સિંગ કેમ્પસ) ના સંચાલકો દ્વારા નિર્દોષ, ગરીબ અને ફ્રીશીપ કાર્ડધારક આદિવાસી વિદ્યાર્થીઓનું જે રીતે આર્થિક, શૈક્ષણિક અને માનસિક શોષણ કરવામાં આવી રહ્યું છે, તેના પાપે શિક્ષણ જગતને કલંકિત કર્યું છે. આ ગંભીર ભ્રષ્ટાચાર અને છેતરપિંડીના પુરાવાઓ સાથે આજે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ (GNC) ખાતે કડક કાર્યવાહીની માંગ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી છે.

છોટાઉદેપુરની માઁ ગાયત્રી નર્સિંગ કોલેજ પાસે B.Sc. Nursing કોર્સ ચલાવવાની કોઈ કાયદેસર મંજૂરી જ નથી! છતાં વિદ્યાર્થીઓને ત્યાં ગેરકાયદેસર પ્રવેશ આપીને હોસ્ટેલમાં ગોંધી રાખવામાં આવે છે. આ સમગ્ર કૌભાંડનો અસલી પાયો કાયાવરોહણની લક્ષ્મીનારાયણ કોલેજ છે. આ વિદ્યાર્થીઓનું સત્તાવાર એડમિશન કાગળ પર લક્ષ્મીનારાયણ કોલેજમાં બોલે છે અને તેમને પરીક્ષા આપવા માટે પણ લક્ષ્મીનારાયણ કોલેજ જ મોકલવામાં આવે છે!

INC (ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ) કે GNC ના નિયમોની એસીતૈસી કરીને ચાલતી આ પ્રવૃત્તિ સીધો ગુનાહિત વ્યાપાર છે. વિદ્યાર્થી ભણે માઁ ગાયત્રી કોલેજમાં અને તેની પરીક્ષા લેવાય લક્ષ્મીનારાયણ કોલેજમાં, આ કઈ રીતની મંજૂરી છે? આ કૌભાંડમાં લક્ષ્મીનારાયણ કોલેજના સંચાલકો સમાન ભાગીદાર છે.

કોલેજ સંચાલકોના કાળા કારનામા અને કૌભાંડોની યાદી
૧. માન્યતા વગરનો ગેરકાયદેસર કોર્સ (મોટી શૈક્ષણિક છેતરપિંડી):
માઁ ગાયત્રી નર્સિંગ કોલેજ પાસે B.Sc. Nursing કોર્સ ચલાવવાની કોઈ કાયદેસર મંજૂરી જ નથી! આમ છતાં, વિદ્યાર્થીઓને અંધારામાં રાખી, એડમિશન આપીને ફી ખંખેરવામાં આવી રહી છે. નવાઈની વાત એ છે કે આ વિદ્યાર્થીઓનું સત્તાવાર એડમિશન કાયાવરોહણની “લક્ષ્મીનારાયણ કોલેજ” માં બતાવીને ત્યાં પરીક્ષા અપાવવા મોકલવામાં આવે છે. INC અને GNC ના નિયમોના ધજાગરા ઉડાડતું આ નેટવર્ક સીધેસીધો ગુનાહિત વ્યવસાય ચલાવતા હોવાના કથિત આક્ષેપ

૨. ફ્રીશીપ કાર્ડધારકો પાસેથી ગેરકાયદેસર ‘પેનલ્ટી’ નું ઉઘરાણું:
જે વિદ્યાર્થીઓએ સરકારની યોજના હેઠળ ફ્રીશીપ કાર્ડ પર એડમિશન લીધું છે, તેમની પાસેથી કોઈ ફી લેવાની થતી નથી. છતાં, જો સરકાર તરફથી સ્કોલરશીપ આવવામાં વિલંબ થાય, તો સંચાલકો વિદ્યાર્થીઓ પાસેથી રોજના ₹૧૦૦ લેખે ગેરકાયદેસર પેનલ્ટી વસૂલતા હોવાની માહિતી ,લેટ ફી અને અન્ય ખોટા ખર્ચા બતાવીને ગરીબ આદિવાસી પરિવારોના લોહી-પરસેવાના પૈસા લૂંટવામાં આવી રહ્યા હોવાના સનસનીખેજ આક્ષેપ

૩. હોસ્ટેલના નામે ભ્રષ્ટાચાર અને ‘ખોટા ફૂડ બિલ’ નું સરકારી કૌભાંડની આશંકા :
GNM ના વિદ્યાર્થીઓ પાસેથી વર્ષે ₹૩૫,૦૦૦ હોસ્ટેલ ફી અને સરકારના ₹૧૫,૦૦૦ મળીને કુલ ₹૫૦,૦૦૦ ઉઘરાવવા છતાં સુવિધાના નામે ‘મીંડું’ છે. ગર્લ્સ હોસ્ટેલમાં માત્ર બે જ રૂમ છે, બાથરૂમના દરવાજા તૂટેલા છે અને સાફ-સફાઈ ગેરહાજર છે.
સૌથી મોટો બ્લાસ્ટ: જે ૫૦ થી વધુ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા જ નથી, તેમના નામે પણ ખોટા ફોર્મ ભરીને સંચાલકો સરકારી ગ્રાન્ટના લાખો રૂપિયા ઓહિયાં કરી ગયા હોવાના લગાવ્યા ગંભીર આક્ષેપ

૪. ઓરિજનલ સર્ટિફિકેટ્સ જપ્ત કરી વિદ્યાર્થીઓને ‘બંધક’ બનાવ્યા:
UGC અને સુપ્રિમ કોર્ટના કડક આદેશોનું ઉલ્લંઘન કરીને વિદ્યાર્થીઓના ઓરિજનલ ડોક્યુમેન્ટ્સ જપ્ત કરી રાખવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓ પાસ આઉટ થઈ ગયા છે તેમને છેલ્લા ૬ મહિનાથી ‘ફાઇનલ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ’ આપવામાં આવતું નથી, જેથી તેઓ ક્યાંય નોકરી કે આગળ અભ્યાસ કરી શકતા નથી. વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોળવા બેઠેલા આ સંચાલકો કઈ સત્તાના જોરે દાદાગીરી કરે છે?

૫. ધમકીઓ અને માનસિક ત્રાસ
જો કોઈ વિદ્યાર્થી આ અન્યાય સામે અવાજ ઉઠાવે તો તેને “પરીક્ષામાં નાપાસ કરી દેવાની” સીધી ધમકી આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને ડરાવી-ધમકાવીને જબરજસ્તીથી એવા ખોટા લખાણો (Undertakings) કરાવી લેવાયા છે કે “અમે કોઈ વિરોધ નહીં કરીએ.” આ લોકશાહી અને વિદ્યાર્થીઓના મૂળભૂત અધિકારોનું ખૂન છે.

સ્પષ્ટ અને આખરી માંગણીઓ કરતાં યુવરાજસિંહ
મંજૂરી વગરની આ કોલેજના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બચાવવા તેમને તાત્કાલિક અન્ય સરકારી કે માન્યતા પ્રાપ્ત કોલેજમાં શિફ્ટ (ટ્રાન્સફર) કરવામાં આવે.

વિદ્યાર્થીઓ પાસેથી ગેરકાયદેસર રીતે ઉઘરાવાયેલી તમામ વધારાની ફી અને પેનલ્ટી વ્યાજ સાથે પરત અપાવવામાં આવે.

સરકારી નાણાં અને ફૂડ બિલ કૌભાંડ કરનારા સંચાલકો સામે તાત્કાલિક કમિટી નીમી ફોજદારી (criminal) ગુનો દાખલ કરી જેલભેગા કરવામાં આવે ઍવી માંગણી

અલ્ટીમેટમ અને આંદોલનની ચીમકી
આ આવેદનપત્ર અને રજૂઆત બાદ જો તંત્ર અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આગામી ૧૫ દિવસમાં યોગ્ય અને સંતોષકારક નિર્ણય લઈને વિદ્યાર્થીઓને ન્યાય નહીં અપાય, તો છોટાઉદેપુર આદિજાતિ વિભાગની કચેરી સામે વિદ્યાર્થીઓ અને વાલીઓને સાથે રાખીને ઉગ્ર આંદોલન, ઘેરાવ અને ધરણાં કરવામાં આવશે. જેની તમામ કાયદો અને વ્યવસ્થાની જવાબદારી શાસન, પ્રશાસન અને કોલેજ સંચાલકોની રહેશે.

UGC ના નિયમો મુજબ વિદ્યાર્થીઓના ઓરિજનલ સર્ટિફિકેટ અને પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ ૨૪ કલાકમાં મુક્ત કરવામાં આવે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!