સત્ય વિચાર દૈનિક

બાલાસિનોરમાં કેમિકલ માફિયા-તંત્રની મિલીભગત સામે ફાટ્યો જનઆક્રોશ: લાલ દૂષિત પાણી લઈ યુવરાજસિંહ જાડેજા GPCB કચેરીએ ત્રાટક્યા!

અહેવાલ  – જયદીપ દરજી, ગાંધીનગર

છેલ્લા ૩ વર્ષથી તંત્ર કુંભકર્ણની નિદ્રામાં: ૨૯ ગામોના હજારો રહીશોનું જીવવું હરામ, કેમિકલયુક્ત ઝેરી પાણીથી ખેતી, પશુઓ અને માનવ જિંદગી જોખમમાં

ગાંધીનગર, સોમવાર

બાલાસિનોરના જમીયતપુરા વિસ્તારમાં આવેલી ડમ્પિંગ સાઇટ અને કેમિકલ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હવે સ્થાનિકો માટે ‘કાળ’ સાબિત થઈ રહ્યા છે. વિવિધ કંપનીઓનો ઝેરી કચરો અને કેમિકલ ખુલ્લેઆમ અહીં ઠાલવવામાં આવતા આજુબાજુના ૨૯ ગામોના હજારો રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. સ્થાનિકોની આ વેદનાને વાચા આપવા માટે વિદ્યાર્થી યુવા નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ગ્રામજનો લાલ દૂષિત પાણીની બોટલો હાથમાં લઈને ગાંધીનગર સ્થિત GPCB (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ)ની કચેરીએ ધસી આવ્યા હતા.

ભૂગર્ભ જળ બન્યું ઝેરી: પાણી માટે મહિલાઓ દર-દર ભટકવા મજબૂર

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કંપનીઓ દ્વારા છોડવામાં આવતા કેમિકલના કારણે સમગ્ર વિસ્તારનું ભૂગર્ભ જળ સંપૂર્ણપણે પ્રદૂષિત અને ઝેરી બની ચૂક્યું છે. કુવા અને બોરવેલમાંથી લોહી જેવું લાલ પાણી નીકળી રહ્યું છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે પીવાનું શુદ્ધ પાણી મેળવવા માટે ગામની મહિલાઓને એક-એક કિલોમીટર સુધી ભટકવું પડી રહ્યું છે. તંત્રની બેદરકારીના કારણે સામાન્ય નાગરિકો ટીપે-ટીપા પાણી માટે મરણિયા બન્યા છે.

રોગચાળાનો ભારે આતંક: અનાજ અને દૂધ પણ ઝેરી બન્યા હોવાનો આક્ષેપ
આ દૂષિત કેમિકલવાળા પાણીના વપરાશના કારણે સ્થાનિકોમાં ચામડીના ભયાનક રોગો ફેલાઈ રહ્યા છે. ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, પ્રદૂષિત પાણીના લીધે ખેતરોમાં પાકતું અનાજ અને પશુઓનું દૂધ પણ હવે કેમિકલયુક્ત બની રહ્યું છે, જે ધીમું ઝેર સાબિત થઈ રહ્યું છે.
ગાંધીનગર કચેરીએ ઘેરાવ: જનતાના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ ક્યાં સુધી?
ગાંધીનગર GPCB કચેરીએ પહોંચેલા ૨૯ ગામના ૧૦૦ જેટલા અગ્રણીઓ અને મહિલાઓએ તંત્રને સીધો સવાલ કર્યો છે કે, છેલ્લા ૩ વર્ષથી સતત રજૂઆતો કરવા છતાં પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે કોઈ કડક પગલાં કેમ લેવાયા નથી? શું ગાંધીનગર એરકન્ડિશન્ડ ઓફિસોમાં બેઠેલા અધિકારીઓ આ લાલ પાણીની ગંભીરતા અને લોકોની પીડા સમજી શકશે ખરા? પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા આગેવાનોએ ચીમકી આપી છે કે જો વહેલી તકે મિલીભગત બંધ કરી કંપની સામે કડક કાયદાકીય પગલાં નહીં ભરાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!