સત્ય વિચાર ન્યૂઝ | અરવલ્લી બ્યુરો ,જગદિશ પ્રજાપતિ
અરવલ્લી: ભિલોડા તાલુકાના પાદરા ગામની સીમમાંથી થોડા દિવસો પૂર્વે ભડભડ સળગી ગયેલી અર્ટિગા કાર અને તેમાંથી મળી આવેલા શંકાસ્પદ માનવ કંકાલના ચકચારી પ્રકરણનો અરવલ્લી પોલીસે ગણતરીના દિવસોમાં પર્દાફાશ કર્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે, આ રહસ્યમય હત્યાકાંડમાં મૃતક અને મુખ્ય આરોપી બંને પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા. પોલીસે મહિલા પોલીસકર્મી સહિત કુલ ૪ આરોપીઓને દબોચી લઈ ગુનામાં વપરાયેલી ઈકો કાર તથા અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
ભિલોડાના પાદરા ગામની સીમમાં એક અર્ટિગા કાર સળગેલી હાલતમાં મળી આવી હતી, જેની અંદરથી માનવ કંકાલ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ મામલે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ 194 મુજબ અકસ્માતે મોતની નોંધ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી.
ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઈન્ટેલિજન્સથી ખુલ્યું રહસ્ય
બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ અલગ-અલગ પોલીસ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે CCTV ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી તપાસના તાર જોડતા આ બનાવ અકસ્માત નહીં, પરંતુ પૂર્વ આયોજિત ઠંડા કલેજે કરાયેલી હત્યા હોવાનું સામે આવ્યું હતું.
હત્યા પાછળનું કારણ,એકતરફી દબાણ અને અદાવત
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, મૃતક પોલીસકર્મી અશ્વિનભાઈ બાબુભાઈ તબિયાડ (રહે. ઝીંઝાડી, તા. ભિલોડા) અને આરોપી મહિલા પોલીસકર્મી આલ્ફાબેન વચ્ચે અગાઉ પ્રેમસંબંધ હતો. જોકે, આલ્ફાબેને આ સંબંધ આગળ રાખવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેમ છતાં મૃતક અશ્વિનભાઈ તેને સતત હેરાન કરી સંબંધ રાખવા દબાણ કરતા હતા.
આ ત્રાસ અને અદાવતનો કાયમી અંત લાવવા માટે આલ્ફાબેને અન્ય ત્રણ સાગરીતો સાથે મળી ખતરનાક કાવતરું રચ્યું હતું. યોજના મુજબ મૃતક અશ્વિનભાઈને બોલાવી તેમનું ગળું દબાવી (ટૂંપો આપી) હત્યા કરી નાખવામાં આવી હતી. ત્યારબાદ હત્યાને અકસ્માતમાં ખપાવવા અને પુરાવાનો નાશ કરવાના ઈરાદે મૃતદેહને અર્ટિગા કારમાં મૂકી, કાર અને લાશ પર પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી.
ઝડપાયેલા આરોપીઓની યાદી
અરવલ્લી પોલીસે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાંથી નીચે મુજબના ચારેય આરોપીઓની ધરપકડ કરી છે:
* આલ્ફાબેન અશોકભાઈ કલાસવા (ઉં.વ. ૩૭, રહે. સામોયા, તા. વિજયનગર, જિ. સાબરકાંઠા)
* કલ્પેશભાઈ અશોકભાઈ કલાસવા (ઉં.વ. ૩૯, રહે. સામોયા, તા. વિજયનગર, જિ. સાબરકાંઠા)
* પંકજકુમાર મગનભાઈ કલાસવા (ઉં.વ. ૨૮, રહે. સામોયા, તા. વિજયનગર, જિ. સાબરકાંઠા)
* મનોજકુમાર ભુરાજી નિનામા (ઉં.વ. ૩૩, રહે. ઘાડીવઠા, તા. વિજયનગર, જિ. સાબરકાંઠા)
હાલ પોલીસે ગુનામાં વપરાયેલી ઈકો ગાડી કબજે કરી આરોપીઓના રિમાન્ડ મેળવવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




