પ્રાથમિક શાળાની બાજુમાં જ કચરાના ઢગલા! બાળકોના આરોગ્ય સામે જોખમ, જવાબદાર તંત્રની કામગીરી સામે સવાલો
અહેવાલ:ભાણજી ઠાકોર વાસરડા, વાવ
ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ અને સુંદર ગુજરાતના નિર્માણ માટે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે અને ગામેગામ સ્વચ્છતા જાળવવાના દાવા કરવામાં આવે છે. પરંતુ વાવ તાલુકાના દેથળી ગામની સ્થિતિ જોતા સરકારના સ્વચ્છતા અભિયાનની વાસ્તવિકતા સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
દેથળી ગામમાં ઠેરઠેર ગંદકી અને કચરાની સમસ્યા જોવા મળી રહી છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે દેથળી પ્રાથમિક શાળાની બાજુમાં જ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. જ્યાં બાળકો ભણતર મેળવી રહ્યા છે, તેની નજીક જ કચરાની આવી સ્થિતિ હોવી એ ખરેખર ગંભીર બાબત છે.
શાળાની આસપાસ સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ હોવું જરૂરી છે, પરંતુ શાળાની બાજુમાં જ કચરો પડેલો હોય તો બાળકોના આરોગ્ય અને સ્વચ્છતાના વાતાવરણ અંગે ચિંતા થવી સ્વાભાવિક છે. કચરાના કારણે દુર્ગંધ, મચ્છરો અને રોગચાળાનું જોખમ ઊભું થઈ શકે છે.
એક તરફ સરકાર સ્વચ્છતા અભિયાનના માધ્યમથી લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરે છે, તો બીજી તરફ પ્રાથમિક શાળાની બાજુમાં જ કચરાના ઢગલા હોય ત્યારે સવાલ થાય છે કે શું સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર જ ચાલી રહ્યું છે?
ગ્રામ પંચાયત અને સંબંધિત તંત્રની જવાબદારી શું માત્ર સરકારી યોજનાઓના પ્રચાર પૂરતી જ છે? શાળાની બાજુમાં પડેલો કચરો જવાબદાર અધિકારીઓને કેમ દેખાતો નથી?
હવે સવાલ એ છે કે દેથળી ગામની આ સ્થિતિમાં સુધારો લાવવા તંત્ર ક્યારે જાગશે? ગ્રામ પંચાયત અને સંબંધિત અધિકારીઓ તાત્કાલિક સ્થળ તપાસ કરી કચરાનો યોગ્ય નિકાલ કરાવે અને નિયમિત સફાઈની વ્યવસ્થા ઊભી કરે તેવી માંગ ઊઠી રહી છે.

