અહેવાલ તસવીર – હરીશ જોશી, કપડવંજ
આગામી જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કપડવંજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદાનની ટકાવારી વધે અને દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે હેતુસર યોજાયેલી આ રેલીમાં તાલુકાની વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના અંદાજે 250 જેટલા શિક્ષકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિલેશભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પોતે બાઇક ચલાવી શિક્ષકોમાં ઉત્સાહ પૂર્યો હતો. સાથે જ વહીવટી તંત્રના અધિકારીઓએ પણ સક્રિય ભાગ ભજવ્યો હતો. રેલી દરમિયાન “મતદાન એ આપણો પવિત્ર અધિકાર છે” અને “લોકશાહીનો આધાર, જાગૃત મતદાર” જેવા સૂત્રો દ્વારા નાગરિકોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
એમ.પી. હાઈસ્કૂલથી તાલુકા પંચાયત કચેરી સુધી શહેરના મુખ્ય માર્ગો પર ફરેલી આ રેલીએ જનમાનસનું ધ્યાન ખેંચ્યું હતું. સ્થાનિક લોકોએ આ જનજાગૃતિ અભિયાનને બિરદાવ્યું હતું.



