સત્ય વિચાર દૈનિક

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નેસડા ગ્રામજનોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બહિષ્કાર કર્યાની માહિતી સામે આવી

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નેસડા ગ્રામજનોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બહિષ્કાર કર્યાની માહિતી સામે આવી

અલ્પેશ ભાટિયા, મોડાસા

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નેસડા ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ લોકઆક્રોશ ઉગ્ર બન્યો છે. ગામના મતદારો એકજૂથ થઈ ચૂંટણીનો બહિષ્કાર જાહેર કરતાં રેલી કાઢી હતી અને “રોડ નહીં તો વોટ નહીં” જેવા બેનરો સાથે તંત્ર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

ગામના રંગીલી ટેબા ફળીયા વિસ્તારમાં રહેતા લોકોનું કહેવું છે કે વર્ષોથી મુડશી તરફ જતો માર્ગ કાચો અને જર્જરિત હાલતમાં છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. રોડની હાલત એટલી ખરાબ છે કે સામાન્ય દિવસોમાં પણ વાહન વ્યવહાર મુશ્કેલ બને છે, જ્યારે ચોમાસા દરમિયાન સ્થિતિ વધુ ગંભીર બની જાય છે.

સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું હતું કે વરસાદી મોસમમાં રસ્તો કાદવમય બની જતા ગામ સાથેનો સંપર્ક લગભગ તૂટી જાય છે. આ પરિસ્થિતિમાં ઇમરજન્સી સેવાઓ જેવી કે 108 એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી શકતી નથી, જેના કારણે દર્દીઓના જીવને જોખમ ઉભું થાય છે. સાથે જ, વિદ્યાર્થીઓને શાળાએ જવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેના કારણે તેમના ભવિષ્ય પર પણ અસર પડી રહી છે.

ગામજનોનો આક્ષેપ છે કે ચૂંટણી આવે ત્યારે જ નેતાઓ ગામમાં આવી વચનો આપે છે, પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ કોઈપણ વચન પૂરું કરવામાં આવતું નથી. વિકાસના મૂળભૂત પ્રશ્નો વર્ષો સુધી ઉકેલાતા નથી, જેના કારણે ગ્રામજનોમાં તંત્ર પ્રત્યે ભારે અસંતોષ વ્યાપી ગયો છે.

આક્રોશિત મતદારોનો સ્પષ્ટ મત છે કે જ્યાં સુધી યોગ્ય રસ્તાની વ્યવસ્થા કરવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ મતદાન નહીં કરે. ગામમાં યોજાયેલી રેલી દરમિયાન લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને તંત્રને ચેતવણી આપી હતી કે હવે માત્ર વચનો નહીં પરંતુ હકીકતમાં કામ જોઈએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!