દોહા: ભારતીય ક્રિકેટના ઉભરતા સિતારા, માત્ર 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ મંગળવારે મેદાન પર એવું તોફાન મચાવ્યું કે ક્રિકેટ જગતના તમામ જૂના રેકોર્ડ્સ ધ્વસ્ત થઈ ગયા. રાઇઝિંગ સ્ટાર એશિયા કપમાં UAE સામે રમતા વૈભવે ઈન્ડિયા-A તરફથી વિસ્ફોટક બેટિંગ કરી 50 ઓવરના ક્રિકેટ (લિસ્ટ-A) ઈતિહાસની સૌથી ઝડપી સદી, સૌથી ઝડપી 150 રન અને સૌથી ઝડપી બેવડી સદીનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
ચોગ્ગા-છગ્ગાની આતશબાજી અને વર્લ્ડ રેકોર્ડ્સની વણઝાર
વૈભવ સૂર્યવંશીએ શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવી UAEના બોલરોની ધોલાઈ શરૂ કરી હતી. તેણે માત્ર 28 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ત્યારબાદ પણ તે અટક્યો નહીં અને માત્ર 40 બોલમાં 150 રન પૂરા કરીને પોતાનો જ 2025નો (59 બોલનો) રેકોર્ડ તોડ્યો હતો. વૈભવે લોંગ-ઓન પરથી શાનદાર છગ્ગો ફટકારી માત્ર 52 બોલમાં બેવડી સદી (200 રન) પૂરી કરી ઈતિહાસ રચી દીધો. તે 53 બોલમાં 384.91ના અકલ્પનીય સ્ટ્રાઈક રેટથી 204 રન બનાવીને આઉટ થયો હતો, જેમાં 28 ગગનચુંબી છગ્ગા અને 7 ચોગ્ગા સામેલ હતા.
ઈન્ડિયા-Aની એકતરફી અને શાનદાર જીત
આ મેચમાં UAEએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 249 રન બનાવ્યા હતા, જેમાં હરપ્રીત સિંહ ભાટિયાએ 12 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 130 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં ઈન્ડિયા-Aએ વૈભવની ઐતિહાસિક ઇનિંગના દમ પર 250 રનનો લક્ષ્યાંક માત્ર 14.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો અને 7 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો.
મેદાન પર ભાવુક અને જોશીલું સેલિબ્રેશન
બેવડી સદી પૂરી કર્યા બાદ વૈભવ સૂર્યવંશીએ મેદાન પર જોશભેર ઉજવણી કરી હતી. તેણે પોતાનું હેલ્મેટ ઉતારીને ટીમ ઈન્ડિયાના ડગઆઉટ તરફ બેટ ઊંચું કરીને અભિવાદન ઝીલ્યું હતું અને ત્યારબાદ આકાશ તરફ જોઈને ભગવાનનો આભાર માન્યો હતો.



