સંજય પ્રજાપતિ ‘શિવાંશ’ મુન્દ્રા, કચ્છ

મહિલા દિવસની ઉજવણી હોય અને ચારેબાજુ ચર્ચામાં હોય એવા મળવા જેવા મહિલાની વાત કરીએ તો દિલ દિમાગમાં એક જ નામ આવે – *ડૉ.પારૂલ અમિત ‘પંખુડી’*
તો ચાલો, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આજે આપણે એવા વ્યક્તિત્વની આેળખાણ મેળવીશું જેની ડીક્ષનરીમાં ઈમ્પોસિબલ શબ્દ જ નથી. આફતને પણ અવસરમાં બદલી દે એવી ચેતનવંતી સ્ત્રી એટલે ડૉ.પારુલ અમિત પટેલ ‘પંખુડી’. જે એમનાં પતંગિયા જેવા હળવા મોજીલા સ્વભાવ અને પતંગિયા જેવા સુંદર અને નાજુક તરવરાટને કારણે *પંખુડી* ‘ તખલ્લુસથી સાહિત્ય જગતમાં ખૂબજ નામના ધરાવે છે. ડૉ.પારૂલ અમિત ‘પંખુડી’ સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં ” મૅનેજર” તરીકે ફરજ બજાવે છે. એમણે એમ.બી.એ નો અભ્યાસ કર્યો છે.અને બાળ સાહિત્યમાં પી એચ ડી ની પડવી એનાયત કરી છે.
ડૉ.પારૂલ બાળપણથી જ સાહિત્ય પ્રત્યે રસ ધરાવે છે.
આમ જોવા જઇએ તો આંકડા અને સાહિત્યનો સંગમ જલદી થાય નહીં પણ આખો દિવસ આંકડા સાથે રમ્યા પછી એમની આંગળીઓનાં ટેરવાં જાણે કલમ પકડી સાહિત્ય લેખન માટે તૈયાર જ હોય. બૅન્કનાં સમય પછી લેખનકાર્ય અને પુસ્તકોનું વાંચન એમનો નિત્યક્રમ અને શોખ રહ્યો છે. એમનાં લખાણમાં જે શબ્દો રચાય છે, એ વાચકોનાં માનસમાં એક અદ્ભુત છાપ છોડી જાય છે. આ બધું એમનાં સમૃધ્ધ વાંચનને આભારી છે. ગુજરાતી સાહિત્યમાં હંમેશા નવું વિચારવું અને કંઈક નવીન કરવાની ઉત્કૃષ્ટ ભાવના સાથે એમણે ઉમદા સાહિત્ય સર્જન કર્યું છે. એમનાં કાવ્યો, લેખો, વાર્તા, ગઝલ વગેરે વાંચીને વાંચકનાં મનને શાંતિ મળે એવું હકારાત્મક દૃષ્ટિકોણથી તેઓ લખે છે. એમની *’છલાવા* ‘ નવલકથાનાં પાત્રોનું નિરુપણ તો જાણે વાચક પોતે એ પાત્રમાં આેતપ્રોત થઇ જાય છે. ડૉ.પારુલ હંમેશા રસપ્રદ અને ભાવવાહી શૈલીમાં લખે છે, જે એમની વિશેષતા છે.
કોરોનાકાળનાં કપરા સમયમાં સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો, લોકડાઉનનાં સમયે લોકો ઘરમાં બેસી કંટાળી ગયા ત્યારે વોટ્સઍપનાં માધ્યમથી “અંગત ડાયરી પરિવાર”નું નિર્માણ કર્યું અને સાહિત્યમાં રસ ધરાવનાર સૌ નવોદિત લેખકો અને કવિઆેને સામેલ કર્યાં થોડાક સમયમાં જ આ ગ્રૂપ વિશાળ વટવૃક્ષ સમાન બની ગયું. બધાંને પોતાની રચના મોકલવા એક સાચું પ્લૅટફોર્મ મળ્યું. સાહિત્યનાં કેટલાંયે ગ્રૂપો ધમધમે છે પણ અંગત ડાયરીની વાત જ કંઈક અલગ છે, એમની લીડરશીપ અને મૅનેજમેન્ટ આમાં ઝળકે છે.
ફળસ્વરૂપે નવોદિત લેખકોનું સહિયારું પુસ્તક ‘ *શબ્દોત્સવ* ‘ અને *પદ્યોત્સવ* નું સર્જન થયું.*’ચાલ ને જિંદગી’* એમનું પોતાનું મોટીવેશનલ પુસ્તક છે જેણે સાહિત્ય જગતમાં ખૂબ જ ધૂમ મચાવી છે.
હાલમાં એમનું બાળ પુસ્તક “અપ્પુ કિલ્લુ ને સિગ્ગી”પ્રકાશિત થયું છે.
જેના બોધ બાળમાનસને નવું કંઈક શીખવવાની પ્રેરણા આપે છે.
વિકલી કૉલમ વાંચનારને હવે ડેઇલી ભરપૂર સાહિત્યનો પોઝિટિવ રસ પીરસાય છે જે ખરેખર ગર્વની વાત છે. પંખુડી હંમેશા ભગવદગીતાનાં કર્મનાં સિદ્ધાંતમાં માને છે. જે સંકલ્પ કરે તે સિદ્ધ કરી બતાવે છે, એ એમનું જમા પાસું છે. લેખનની સાથે સાથે તેઆે કાવ્યપઠનમાં પણ અવ્વલ છે. તેઓ જી.ટી.પી.એલ ગુજરાતી ટી.વી. ચેનલમાં “કાવ્યરસ” કાર્યક્રમ અંતર્ગત કાવ્યપઠન કરી ચૂક્યા છે. અંગત ડાયરી યુ ટ્યુબ ડિજિટલ ચૅનલનું નિર્માણ એમનાં દ્વારા જ થયું છે. પંખુડી એમનાં હસમુખા સ્વભાવ, હાજરજવાબી અને નિખાલસતાને કારણે બધાંનાં લોકપ્રિય બની ગયા છે.
સાહિત્ય જગતમાં, સોશિયલ મીડિયામાં ખૂબજ ચમકતા રહેતા એવી તો નામના ધરાવી ચુક્યા છે કે ટીકાકારો અને વિરોધીઓનો પણ સામનો કર્યો છે, પરંતુ એ વાતને અવગણીને માત્ર ને માત્ર સાહિત્યનું પ્રેમ અને નિષ્ઠાથી સંવર્ધન કરી રહ્યા છે. આની સામે એમનાં કેટલાયે ચાહકો છે જે એમનાં માટે પીઠબળ સમાન છે.
સાથે સાથે બાળસાહિત્ય પ્રત્યે પણ રૂચિ ધરાવે છે. એમણે બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળી રહે માટે અનેક બાળવાર્તા અને બાળગીતનું સર્જન કર્યુ છે. જે ગુજરાત સમાચારની ઝગમગ પૂર્તિમાં આપણે વાંચી એ છીએ.
“ચાલ ને જિંદગી” પુસ્તક એ એવાં મોટીવેશનલ વિચારોનું ઉદ્વભવ સ્થાન છે જે પુસ્તક કુલ બાર ભાષામાં અનુવાદિત થવાનું છે. જે આટલી નાની ઉંમરમાં ગૌરવ લેવા જેવી બાબત છે. ઉપરાંત, ‘છલાવા’ નવલકથા (૩૨ ભાગ) પ્રકાશિત થઇ ચુકી છે.
‘લવ ઓફ શેડ્સ’ અને અને ઐતિહાસિક ગ્રંથ વિશેનાં પ્રોજેકટ પર કામ ચાલુ છે, જેનો લ્હાવો જલ્દી મળશે. ગાંધીનગર સમાચારમાં *એમ પણ બને* એમની કૉલમ પ્રખ્યાત છે . ફૂલવાડીમાં બાળવાર્તા અને ગુજરાત સમાચારની ‘ઝગમગ’ પૂર્તિમાં બાળવાર્તા પ્રસિદ્ધ થાય છે. આ ઉપરાંત અન્ય નાના મોટા ન્યૂઝ પેપરમાં વાર્તા , ગઝલ,કવિતા ઉપરાંત અન્ય વિશેષ તો ખરું જ.
આમ, વાંચન, લેખન અને આધુનિક સમયને અનુરૂપ ફેશનમાં સજ્જ રહેતા એવા ડૉ. પારૂલ અમિત ‘પંખુડી ‘સાચે જ મળવા જેવા નારી છે. હમણાં તાજેતરમાં જ એમણે પોતાનાં વ્યસ્તતાભર્યા જીવન અને કૌટુંબિક જવાબદારીની વચ્ચે “૨૧મી સદીમાં બાળ સાહિત્ય, સંસ્કૃતિ અને જીવન મૂલ્યાંકન” વિષય પર શોધ નિબંધ રજૂ કરીને પી.એચ.ડી નું સોનેરી સોપાન સિદ્ધ કર્યું છે. એમનું જાજરમાન વ્યક્તિત્વ ઊઠીને આંખે વળગે છે. નારીજગત માટે ગૌરવ લઈ શકાય એવા ડૉ. પારૂલ અમિત ‘પંખુડી’ને સસ્નેહ નમસ્કાર…
.

