કપડવંજના ગરોડ ચોકડી વિસ્તારમાં અત્યારે સ્થાનિકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એક તરફ સરકાર સ્વચ્છતાના મોટા દાવાઓ કરે છે, તો બીજી તરફ કપડવંજ-મોડાસા રોડ પર આવેલી જાણીતી હોટલો દ્વારા ફેલાવવામાં આવતી ગંદકીએ લોકોનું જીવવું હરામ કરી દીધું છે.
કપડવંજની ગરોડ ચોકડી… આ એ જ વિસ્તાર છે જ્યાંથી દિવસ-રાત વાહનો મોડાસા તરફ તેમજ જીવન સ્લીપ સ્કૂલ અને અંતીસર જેવા ગામોમાં પસાર થાય છે. પરંતુ અહીં આવતાની સાથે જ લોકોએ પોતાના નાક દબાવવા પડે છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીં આવેલી રેસ્ટોરન્ટ અને હોટલ દ્વારા દૂષિત ગંદા પાણીના ખાબોચિયાં ભરાઈ રહેવાને કારણે અહીં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે આટલું જ નહીં, આ ગંદકી હવે બીમારીનું ઘર બની રહી છે.
ભરાયેલા ગંદા પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ ચરમસીમાએ પહોંચ્યો છે. સ્થાનિકોમાં ફાળ પડી છે કે જો આ પરિસ્થિતિ જલ્દી નહીં સુધરે, તો વિસ્તારમાં મેલેરિયા અને ડેન્ગ્યુ જેવો જીવલેણ રોગચાળો ફાટી નીકળશે. રાહદારીઓ અને વાહનચાલકો પણ આ નરકાગાર જેવી સ્થિતિથી પરેશાન છે.
શું આ હોટલ સંચાલકોને સામાન્ય જનતાના સ્વાસ્થ્યની કોઈ પરવા નથી? શું તંત્ર આ ગંદકી સામે લાલ આંખ કરશે? સ્થાનિકોની એક જ માંગ છે કે વહેલી તકે આ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે અને જવાબદાર હોટલ સંચાલકો સામે કડક પગલાં લેવામાં આવે.
હવે જોવાનું એ રહે છે કે આ અહેવાલ બાદ તંત્ર સફાળું જાગે છે કે પછી જનતાએ આ રોગચાળાના ખતરા નીચે જ જીવવું પડશે?

