અહેવાલ – જયદીપ દરજી
પિતાના શૈક્ષણિક વારસાને દીપાવતા પુત્રએ ૧૦ વર્ષની ક્લાર્ક તરીકેની સેવા બાદ મેળવ્યું પ્રમોશન; સ્નેહીજનોમાં ખુશીનો માહોલ
મોડાસા:
કહેવાય છે કે પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, અને આ ઉક્તિને સાર્થક કરી બતાવી છે મોડાસા દરજી સમાજના કૃપાલ આર. દરજીએ. મૂળ ધનસુરા ગામના નિવાસી અને સમાજમાં ‘રાજુભાઈ ગાંઠીઓલ વાળા’ તરીકે જાણીતા નિવૃત શિક્ષક રજનીકાંતભાઇ દરજીના પુત્ર કૃપાલભાઈને સરકાર દ્વારા નાયબ મામલતદાર તરીકે બઢતી આપવામાં આવતા સમાજમાં આનંદની હેલી જોવા મળી રહી છે.
સંઘર્ષથી સફળતા સુધીની સફર
કૃપાલભાઈએ પોતાની સરકારી કારકિર્દીની શરૂઆત દસ વર્ષ પૂર્વે પંચમહાલના ગોધરા ખાતે ક્લાર્ક તરીકે કરી હતી. પિતા રજનીકાંતભાઇએ ૩૨ વર્ષ સુધી શિક્ષણ જગતમાં સેવા આપી હોવાથી, સેવાની ગળથૂથી કૃપાલભાઈને વારસામાં મળી હતી. ક્લાર્ક તરીકેની ૧૦ વર્ષની સનિષ્ઠ ફરજ દરમિયાન તેમણે અનેક પડકારો ઝીલ્યા અને અંતે પોતાની મહેનતના જોરે નાયબ મામલતદાર જેવું પ્રતિષ્ઠિત પદ પ્રાપ્ત કર્યું છે.
પરિવાર અને સમાજમાં હર્ષોલ્લાસ
પુત્રની આ સિદ્ધિથી પિતાનું વર્ષોનું સ્વપ્ન સાકાર થયું છે. બઢતીના સમાચાર મળતા જ અરવલ્લી પંથકના દરજી સમાજના અગ્રણીઓ, મિત્રવર્તુળ અને સ્નેહીજનો દ્વારા કૃપાલભાઈ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. પ્રજાની સેવાના ઉમદા હેતુ સાથે આગળ વધતા કૃપાલભાઈ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ સમાજ દ્વારા પાઠવવામાં આવી છે.

