કપડવંજ-આંતરસુંબા માર્ગ પર ગમખ્વાર અકસ્માતમાં ૫ સંતાનોના પિતાનું સારવાર દરમિયાન મોત, એક યુવક વાત્રક હોસ્પિટલમાં દાખલ

કપડવંજ-આંતરસુંબા માર્ગ પર ગમખ્વાર અકસ્માતમાં ૫ સંતાનોના પિતાનું સારવાર દરમિયાન મોત, એક યુવક વાત્રક હોસ્પિટલમાં દાખલ

સત્ય વિચાર, કપડવંજ

જલોયા નજીક ટ્રક-બાઇક વચ્ચેની ટક્કરમાં પરિણીત યુવકનું કરુણ અવસાન થતાં પરિવારમાં આક્રંદ; પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી


કપડવંજ-આંતરસુંબા માર્ગ પર આવેલા જલોયા ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઇકસવાર એક યુવકનું વધુ સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતી વખતે મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવકને વધુ સારવાર વાત્રક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.


મળતી વિગતો અનુસાર, જલોયા નજીક ટ્રક અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતાં બાઇક પર સવાર ધર્મેન્દ્રકુમાર પૂનમભાઈ રાઠોડ તથા નવઘણભાઈ પોપટભાઈ રાઠોડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને તાત્કાલિક ૧૦૮ મારફતે હોસ્પિટલ લઈ જવા રવાના કરાયા હતા. જોકે, ગંભીર ઇજાઓ પામેલા ધર્મેન્દ્રકુમારના (કિશન)  રાઠોડનું વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતી વખતે રસ્તામાં જ કરુણ મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે સિંઘાલી ગામના અગ્રણી કૌશિકભાઈ મહારાજ ટેલિફોનીક વાતમાં માહિતી આપી હતી કે મૃતક ધર્મેન્દ્રકુમાર પરિણીત હતા અને પોતાના પરિવારમાં પત્ની તથા પાંચ નિર્દોષ સંતાનો સાથે રહેતા હતા. પરિવારના મોભી સમા યુવકનું અકાળે અવસાન થતાં પરિવારજનોમાં ભારે કલ્પાંત ફેલાયો છે અને સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
બીજી તરફ, અકસ્માતમાં ગંભીર રીતે ઇજા પામેલા બીજા યુવાન નવઘણભાઈ પોપટભાઈ રાઠોડની તબિયત વધુ લથડતાં તેમને તાકીદે વધુ સઘન સારવાર અર્થે વાત્રક હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. બનાવ સંદર્ભે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!