ભરતીમાં સગાવાદ અને રૂ. 7.34 કરોડના સાયબર ફ્રોડના મુદ્દે કાર્યવાહીનો દાવો; યુવરાજસિંહ જાડેજાની માગ—“માત્ર હોદ્દા છીનવવાથી નહીં ચાલે, દોષિતો સામે FIR નોંધી જેલમાં ધકેલો!”
ભાવનગર : ભાવનગર જિલ્લા સહકારી બેંકમાં ભરતી પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓ, સગાવાદ અને રૂ. 7.34 કરોડના સાયબર ફ્રોડના મુદ્દે સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચ્યો છે. રજૂ કરાયેલી વિગતો મુજબ, સ્ટેટ રજિસ્ટ્રાર દ્વારા બેંકના ચેરમેન રસિકભાઈ ભીંગરાડિયા, વાઇસ ચેરમેન કાંતિભાઈ સી. ધાંધલ્યા, CEO આર.ડી. સરવૈયા અને જનરલ મેનેજર જે.કે. કેવડિયાને તાત્કાલિક અસરથી હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
માર્ચ 2025માં થયેલી આશરે 80 કર્મચારીઓની ભરતીમાં નિયમોનો ભંગ, લાગવગથી નિમણૂકો અને ઉમેદવારો પાસેથી નોકરી અપાવવાના નામે લાખો રૂપિયાની ઉઘરાણી થઈ હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. આ ઉપરાંત બેંકના હિસાબો, NPA વર્ગીકરણ અને નિવૃત્ત અધિકારીઓની પુનઃનિમણૂક અંગે પણ સવાલો ઊઠ્યા છે. જોકે, આ આક્ષેપોની અંતિમ સત્યતા તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
યુવરાજસિંહ જાડેજાની આકરી પ્રતિક્રિયા
આ મુદ્દે યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે માત્ર હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી પૂરતી નથી. તેમના જણાવ્યા અનુસાર, ભરતીમાં ગેરરીતિ કરીને નિમણૂક પામેલા આશરે 80 ઉમેદવારોની નિમણૂકોની તપાસ કરી નિયમવિરુદ્ધ ભરતી રદ કરવી જોઈએ. તેમણે ભરતી પ્રક્રિયામાં સંડોવાયેલા સત્તાધીશો અને સંબંધિત એજન્સી સામે ફોજદારી ગુનો નોંધવાની પણ માગ કરી છે.
જાડેજાએ રૂ. 7.34 કરોડના કથિત સાયબર ફ્રોડ અને ભરતી પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માગ ઉઠાવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ખેડૂતો અને સામાન્ય ખાતેદારોના નાણાં સાથે જોડાયેલી સહકારી સંસ્થામાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત થવી જરૂરી છે.
હવે સમગ્ર મામલે તપાસનો વ્યાપ કેટલો વિસ્તરે છે અને ભરતી તથા નાણાકીય ગેરરીતિઓ અંગે કોની જવાબદારી નક્કી થાય છે તેના પર સૌની નજર છે.
