કપડવંજ, પ્રતિનિધિ – હરીશ જોશી
કપડવંજ શહેરના વોર્ડ નંબર-1 વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી દૂષિત અને ગંદુ પાણી આવતાં સ્થાનિક રહેવાસીઓ ભારે પરેશાન બની ગયા છે. નળોમાંથી દુર્ગંધયુક્ત તથા ગંદકી ભરેલું પાણી આવતાં લોકોમાં રોગચાળાનો ભય ફેલાયો છે અને પ્રજાજનોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ પીવાના પાણીમાં ગંદકી, કચરાના અંશો તેમજ કાદવ જેવી અસ્વચ્છતા જોવા મળી રહી છે. જેના કારણે ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોના આરોગ્ય પર ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે વારંવાર રજૂઆત કરવા છતાં સંબંધિત તંત્ર દ્વારા સમસ્યાના ઉકેલ માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.
દૂષિત પાણીના કારણે વિસ્તારમાં પેટના રોગ, તાવ, ઉલ્ટી અને અન્ય ચેપી બીમારીઓ ફેલાવાનો ભય ઊભો થયો છે. લોકોમાં ભય અને ચિંતા નો માહોલ સર્જાયો છે. મહિલાઓએ જણાવ્યું હતું કે પીવાનું પાણી ઉપયોગમાં લેતાં પહેલાં અનેક વખત ગાળવું પડે છે છતાં પાણીમાંથી દુર્ગંધ દૂર થતી નથી.
વોર્ડના નાગરિકોએ તાત્કાલિક પાણીની લાઇનની તપાસ કરી શુદ્ધ અને સ્વચ્છ પાણી પુરું પાડવાની માંગ ઉઠાવી છે. સાથે જ જવાબદાર અધિકારીઓએ વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં લાવે તો ઉગ્ર રજૂઆત અને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે કે શહેરમાં મૂળભૂત સુવિધા ગણાતું શુદ્ધ પીવાનું પાણી પણ જો લોકોને ન મળે તો તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. હવે લોકો વહેલી તકે સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી આશા રાખી રહ્યા છે.

