જયદીપ દરજી , હરીશ જોશી કપડવંજ
ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ ,ખેડા ભાજપ મહામંત્રી દીપક મિસ્ત્રી, શહેર સંગઠન પ્રમુખ નયન પટેલ,મહામંત્રી રાઘવ દવે તેમજ હોદેદારોની ઉપસ્થિતિમાં નવીન હોદ્દેદારોની જાહેરાત કરાઈ

કારોબારી ચેરમેન તરીકે નરેન્દ્રભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે ભદ્રેશકુમાર સુતરીયા અને દંડક તરીકે જયશ્રીબેન શર્માની વરણી.
નવા બોર્ડ દ્વારા કપડવંજના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવાનો સંકલ્પ વ્યક્ત કરાયો.
કપડવંજ નગરપાલિકાના આગામી અઢી વર્ષની ટર્મ માટેના પદાધિકારીઓની સર્વાનુમતે અને ભારે ઉત્સાહભર્યા વાતાવરણમાં વરણી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલી મેન્ડેટ (પસંદગી યાદી) મુજબ નગરપાલિકાના હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત ખેડા લોકસભાના સાંસદ અને પૂર્વ રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ તેમજ સંગઠનના મહામંત્રી દીપક મિસ્ત્રીની ખાસ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. તમામ હોદ્દાઓ પર પક્ષના વરિષ્ઠ અને સક્રિય સભ્યોની બિનહરીફ વરણી થતાં ભાજપ છાવણીમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
નવનિયુક્ત પદાધિકારીઓની નવી ટીમ
નગરપાલિકાના સુચારુ વહીવટ અને લોકકલ્યાણના કાર્યોને આગળ ધપાવવા માટે નીચે મુજબની નવી ટીમની નિમણૂંક કરાઈ છે.
પ્રમુખ:સેજલબેન અરવિંદભાઈ પટેલ
ઉપપ્રમુખ: સ્નેહાબેન પ્રતિકભાઈ ઓઝા
કારોબારી ચેરમેન: નરેન્દ્રભાઈ મૂળજીભાઈ પટેલ
શાસક પક્ષના નેતા:ભદ્રેશકુમાર નરસિંહભાઈ સુતરીયા
દંડક (વ્હીપ): જયશ્રીબેન બિમલકુમાર શર્મા
નવી ટીમની વરણી થતાં જ સાંસદ દેવુસિંહ ચૌહાણ, મહામંત્રી દીપક મિસ્ત્રી અને કપડવંજ શહેર ભાજપના હોદ્દેદારો, સ્નેહીજનો તથા કાર્યકર્તાઓ દ્વારા તમામ નવનિયુક્ત પદાધિકારીઓને પુષ્પગુચ્છ આપી અને મોં મીઠું કરાવીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે “આ નવી અને ઊર્જાવાન ટીમ કપડવંજ શહેરના વિકાસને એક નવી ઊંચાઈ પર લઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારની જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાના નાગરિક સુધી પહોંચાડવા નગરપાલિકાની આ નવી ટીમ કટિબદ્ધ રહેશે.”
નવનિયુકત પ્રમુખે જવાબદારી સોંપવા બદલ પક્ષના મોવડી મંડળ અને ઉપસ્થિત વરિષ્ઠ નેતાઓનો આભાર માનતા વધુમાં ઉમેર્યું હતું કે, શહેરના તમામ વિસ્તારોમાં રસ્તા, પાણી, લાઈટ અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવી એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે. આ નિમણૂકોને કપડવંજના સ્થાનિક કાર્યકરો અને નાગરિકોએ સહર્ષ વધાવીને અભિનંદન પાઠવ્યા હતા.






