બે ડમ્પર, બસ અને કારનો સર્જાયો અકસ્માત: સદનસીબે મોટી જાનહાનિ ટળી, ટ્રાફિક જામ થતા ધોમધખતા તડકામાં મુસાફરો ત્રાહીમામ

જયદીપ દરજી હરિશ જોશી , કપડવંજ
કપડવંજ-ડાકોર હાઈવે પર આજે એક મોટી દુર્ઘટના સામે આવી છે, જેમાં બે અલગ-અલગ અકસ્માતોમાં ચાર વાહનો એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. આ ભયાનક અકસ્માતમાં બે ભારે માલવાહક ડમ્પર, એક બસ અને એક ખાનગી કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. સદનસીબે, અકસ્માતની તીવ્રતા ઘણી વધારે હોવા છતાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, જેને પગલે વહીવટી તંત્રે અને સ્થાનિકોએ મોટી રાહતનો શ્વાસ લીધો છે.
અકસ્માતને કારણે હાઈવે પર અંદાજે ૪ કિલોમીટર સુધીનો લાંબો ચક્કાજામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઈ. સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. રસ્તાની વચ્ચે ઉભેલા ક્ષતિગ્રસ્ત વાહનોને હટાવવા માટે તંત્ર દ્વારા તાબડતોબ જેસીબી (JCB) અને મોટી ક્રેનો કામે લગાડવામાં આવી હતી.
બીજી તરફ, હાલ ઊનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, તેવામાં બપોરના સમયે ધગધગતા તડકામાં કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા મુસાફરો અને વાહનચાલકો ગરમીના કારણે ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. પોલીસે ભારે જહેમત બાદ અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવવા તજવીજ હાથ ધરી હતી.

