સત્ય વિચાર દૈનિક

સીમાંકનનો વિવાદ વકર્યો: ફાગવેલના ચીખલોડમાં ‘રાજકીય ભૂકંપ’, તમામ ઉમેદવારોએ સ્વૈચ્છિક ફોર્મ પરત ખેંચ્યા

અહેવાલ તસવીર – હરીશ જોશી, ખેડા

ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ચારેય મહિલા ઉમેદવારો  સ્વેચ્છાએ મેદાનમાંથી હટી ગયા: ગ્રામજનોએ એકસંપ થઈ ચૂંટણીનો કર્યો બહિષ્કાર

ફાગવેલ તાલુકાની ચીખલોડ તાલુકા પંચાયત બેઠક પર આજે એક અભૂતપૂર્વ અને આશ્ચર્યજનક રાજકીય વળાંક જોવા મળ્યો છે. ચીખલોડ ગામને કપડવંજ તાલુકામાંથી હટાવી નવનિર્મિત ફાગવેલ તાલુકામાં સમાવવામાં આવતા છેલ્લા ઘણા સમયથી સ્થાનિકોમાં ઉગ્ર રોષ હતો. આ રોષ આજે જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો છે અને ગામના હિતમાં પક્ષ-વિપક્ષના ભેદ ભૂલીને તમામ ચારેય મહિલા ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચી લેતા રાજકીય આલમમાં ભારે હડકંપ મચી ગયો છે.

ચીખલોડ ગામના રહીશોની લાગણી અને માંગણી હતી કે તેમને કપડવંજ તાલુકા સાથે જ રાખવામાં આવે. જોકે, વહીવટી તંત્ર દ્વારા તેમને ફાગવેલ તાલુકામાં સામેલ કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે અસંતોષ હતો. અગાઉ પણ આ બાબતે ઉગ્ર વિરોધ પ્રદર્શનો થયા હતા. અંતે, સમગ્ર ગામ અને પંચાયત હેઠળના વિસ્તારોએ એકસંપ થઈને ચૂંટણીનો બહિષ્કાર કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.


ચૂંટણી જંગમાં આમને-સામને લડનારા ઉમેદવારોએ જ્યારે ગામના પ્રશ્ને એકતા બતાવી ત્યારે વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. ફોર્મ પરત ખેંચનાર ઉમેદવારોમાં નીચે મુજબના નામોનો સમાવેશ થાય છે

મળતી માહિતી અનુસાર ફોર્મ પરત ખેંચનારની યાદી

પરમાર ભાવના બેન મનોહર સિંહ ,ભાજપ

પરમાર સોનલબેન સુરેશભાઈ કોંગ્રેસ

શર્મા ઈલાબેન અમૃતભાઈ ,અપક્ષ

શર્મા ધ્રુમાબેન વિજયકુમાર, અપક્ષ

સામાન્ય રીતે રાજકીય પક્ષો બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર લગાવતા હોય છે, પરંતુ ચીખલોડમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારોએ ગ્રામજનોના આદેશને શિરોમાન્ય રાખી ફોર્મ પરત ખેંચતા આ કિસ્સો સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ઉમેદવારોના આ નિર્ણયથી ફાગવેલ તાલુકા પંચાયતની આ બેઠક પર હવે ચૂંટણી પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે.
“અમારે ફાગવેલમાં નથી ભળવું, અમારું અસ્તિત્વ કપડવંજ સાથે જોડાયેલું છે. ગામની એકતા અને અન્યાય સામેના વિરોધના ભાગરૂપે અમે આ નિર્ણય લીધો છે.” સ્થાનિક ગ્રામજનોનો સૂર

હવે જોવાનું એ રહેશે કે તંત્ર ગ્રામજનોની આ માગણી સામે ઝૂકશે કે પછી ચીખલોડનો આ રાજકીય વિવાદ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!