સત્ય વિચાર દૈનિક

ચૈત્ર માસ – અલૂણા

ચૈત્ર માસ – અલૂણા

લેખક –  બંકિમચંદ્ર બ્રહ્મભટ્ટ ‘ચંદ્ર’ અમદાવાદ

ચૈત્ર માસની શરૂઆત ગ્રીષ્મ ઋતુથી થાય છે. ચૈત્ર માસમાં ચૈત્રી નવરાત્રી સુદ એકમથી સુદ નવમી સુધી હોય છે. માતાજીની પૂજા, આરાધના,જપ,તપથી થાય છે. ચૈત્ર માસમાં અલૂણા કરવામાં આવે છે. લૂણ એટલે મીઠું. અલૂણા એટલે મીઠા રહિત, મીઠા વિનાનું. અલૂણા એટલે આખો મહિનો મીઠા વિનાનું જમવાનું. આ અલૂણા કરવા પાછળ પણ એક ધાર્મિક કથા, લોકવાયકા, લોકકથા અને વિજ્ઞાન પણ જોડાયેલ છે. ચૈત્ર માસમાં ઓખાહરણ વાંચવાનું પણ ખૂબ જ મહત્વ છે.
       કૈલાસ પર્વત પર શિવજી અને પાર્વતીજી રહેતા હોય છે. ઘણો સમય વ્યતીત થયા પછી  શિવજી સમાધિ કરવા નીકળી જાય છે. એ સમયે શિવજી પાર્વતીજીને એકલું લાગે તો બે સંતાન ઉત્પન્ન કરી લેવા જણાવે છે. શિવજી આટલી વાત કરી નીકળી જાય છે.  પાર્વતીજીને એકલતા સાલવા લાગી. એમને શિવજીનું વચન યાદ આવે છે. તેઓએ એક પુત્ર અને એક પુત્રી બે સંતાનો ઉત્પન્ન કરે છે. પુત્ર નું નામ ગણેશ અને દીકરીનુ નામ ઓખા રાખ્યું. ઘણા લાંબા સમય પછી શિવજી કૈલાસ પાછા આવે છે.
          કૈલાસ પર્વત પર પાર્વતીજી સ્નાન કરવા ગયા. ગણેશને રક્ષા કરવા દરવાજા પાસે ઊભા રહેવાનું જણાવ્યું. ગણેશ માતાની રક્ષા કરવા દરવાજા આગળ ઊભા રહ્યાં. એ જ સમયે શિવજી કૈલાસ પર્વત પર આવી પહોંચ્યા. શિવજી અંદર જવા લાગ્યા, ત્યારે ગણેશે શિવજીને રોક્યા. ઘણી બધી રોકટોક અને વાર્તાલાપ થયો. ગણેશ અડીખમ રક્ષામાં ઊભા રહ્યાં. શિવજીને પોતાના જ કૈલાસમાં જતા રોકનાર આ કોણ છે? એમ વિચારી ગુસ્સે થયા. શિવજી અને ગણેશ વચ્ચે ધમસાણ યુધ્ધ થયું. આ યુધ્ધમાં શિવજીએ એમના પિનાકથી ગણેશનું માથું ધડથી અલગ કરી દીધું. એ જ સમયે પાર્વતીજી સ્નાન કરી તૈયાર થઈ બહાર નીકળે છે. એમના પુત્રનું શિરચ્છેદ જોઈ ચિંતિત થાય છે. શિવજીને જુએ છે અને પુછે છે આ મારા પુત્રની દશા કોણે કરી? શિવજી પુછે છે પાર્વતીજીને, આ તમારો પુત્ર? હા. પાર્વતીજી શિવજીને એમણે આપેલ વચન યાદ કરાવે છે. શિવજીને એમનું વચન યાદ આવે છે. ખૂબ પસ્તાવો કરે છે. પાર્વતીજી જીદ પકડે છે. મને મારો પુત્ર જીવિત કરી આપો.‌ શિવજી ત્યાંથી નીકળી ગયા.‌રસ્તામા એક દાંતવાળો હાથી મળે છે. હાથીનું મસ્તક ત્રિશૂળથી અલગ કરી દે છે અને ગણેશને લગાવે છે. ગણેશ જીવંત થાય છે. પાર્વતીજી આ રૂપ જોઈ ચિંતિત થાય છે. શિવજી વરદાન આપે છે કે, ગુણની આગળ રુપ તુચ્છ છે. તમામ શુભ કાર્યમાં સૌ પ્રથમ ગણેશનું પૂજન થશે.
         એ જ સમયે પાર્વતીજીને ઓખા યાદ આવે છે. ઓખા ઓખા બૂમો પાડી બોલાવે છે. ઓખા ગણપતિના શિરચ્છેદ નું દ્રશ્ય જોઈ ડરીને લૂણની એટલે કે મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ હોય છે. એમાંથી બહાર નીકળી સૌ વચ્ચે આવે છે, ત્યારે પાર્વતીજી ઓખા પર ગુસ્સે થાય છે. પાર્વતીજી કહે છે, તારા ભાઈને મરવા દીધો અને તું કોઠીમાં સંતાઈ ગઈ? તારા આ ગુણહીન સ્વભાવથી તારો જન્મ રાક્ષસકુળમા થશે. હવે તું મીઠાની કોઠીમાં જ રહેજે. એવો શ્રાપ આપે છે. ઓખા સ્તબ્ધ થઈ જાય છે. આ શ્રાપથી મુક્ત થવાનો ઉપાય પુછે છે. ત્યારે પાર્વતીજી ઉપાય સૂચવે છે કે, બીજા જન્મમાં ચૈત્ર માસમાં અલૂણા વ્રત કરીશ, ત્યારે તને આ શ્રાપથી મુક્તિ મળશે.
           આમ, ચૈત્ર માસમાં અલૂણા વ્રત કરવાનું અને ઓખાહરણ વાંચવાનું મહત્વ છે.
          ચૈત્ર માસમાં માતાજીની પૂજા અર્ચના આરતી આરાધના ઉપવાસ કરી ચૈત્ર માસ ભક્તિ ભાવથી ઉજવવામાં આવે છે.

બંકિમચંદ્ર બ્રહ્મભટ્ટ ‘ચંદ્ર’* અમદાવાદ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!