અહેવાલ તસવીર – અલ્પેશ ભાટિયા મોડાસા
મોડાસા નગરપાલિકાના અણઘડ વહીવટ અને ખોટા આયોજનના કારણે જનતાના કરોડો રૂપિયાનો બગાડ થયો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. શહેરના બાયપાસ રોડ પર પાલિકા દ્વારા અંદાજે ₹1.50 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ મેરેજ હોલ આજે પોતાના હેતુથી ભટકી ગંદકીના ગંજમાં ફેરવાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, આ ભવ્ય હોલના નિર્માણ બાદ આજદિન સુધી એક પણ સામાજિક પ્રસંગ માટે તેનો ઉપયોગ થયો નથી. જાળવણીના અભાવે ઈમારત ખંડેર જેવી બની ગઈ છે, જ્યાં હાલ પશુઓનો વસવાટ છે અને આસપાસ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે.
વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે નગરપાલિકાએ મેરેજ હોલની બાજુમાં જ શહેરની ડમ્પિંગ સાઈડ ઉભી કરી દીધી છે. પરિણામે હોલ આસપાસ ચોવીસે કલાક દુર્ગંધ ફેલાયેલી રહે છે, જેનાથી આ હોલનો ઉપયોગ practically અશક્ય બની ગયો છે.
આ સમગ્ર મામલે શહેરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિપક્ષે ભાજપ શાસિત પાલિકા પર ભ્રષ્ટાચાર અને અણઘડ આયોજનના ગંભીર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ, કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવા માટે વિના યોગ્ય આયોજન કરોડોના પ્રોજેક્ટ ઊભા કરવામાં આવે છે, જે અંતે પ્રજાને કોઈ ઉપયોગી સાબિત થતા નથી અને ‘સફેદ હાથી’ બની જાય છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ રાહુલભાઈ પટેલ અને જિલ્લા પ્રમુખ અરૂણભાઈ પટેલે આ મુદ્દે કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જનતાના ટેક્સના નાણાંનો આ પ્રકારનો બગાડ સહન કરવામાં આવશે નહીં. તેમણે ચેતવણી આપી છે કે જો તાત્કાલિક હોલને ઉપયોગમાં લેવા યોગ્ય બનાવવામાં નહીં આવે અને આસપાસની ગંદકી દૂર નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં પાલિકા સામે ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે.



