સત્ય વિચાર દૈનિક

કપડવંજમાં ભાજપનો ‘ગઢ’ અકબંધ: ૨૮ માંથી ૧૯ બેઠકો સાથે ભગવો લહેરાયો, અનેક દિગ્ગજોના સૂપડા સાફ

કપડવંજમાં ભાજપનો ‘ગઢ’ અકબંધ: ૨૮ માંથી ૧૯ બેઠકો સાથે ભગવો લહેરાયો, અનેક દિગ્ગજોના સૂપડા સાફ

અહેવાલ – જયદીપ દરજી , હરીશ જોશી, કપડવંજ


પૂર્વ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતના દિગ્ગજ નેતાઓની કારમી હાર, ભાજપના કાર્યકરોમાં દિવાળી જેવો માહોલ

કપડવંજ:
કપડવંજ નગરપાલિકાની ચૂંટણીના પરિણામોએ આજે સ્થાનિક રાજકારણમાં મોટો ઉલટફેર સર્જ્યો છે. ભાજપે ૨૮ માંથી ૧૯ બેઠકો પર ભવ્ય વિજય મેળવીને સંપૂર્ણ બહુમતી સાથે સત્તાના સૂત્રો સંભાળ્યા છે. જેમાં ચારમાં અગાઉથી ભાજપ બિનહરીફ થઈ ચૂક્યું હતું.જોકે, આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા અનેક દિગ્ગજ ચહેરાઓના પરાજયની થઈ રહી છે. એકતરફ ભાજપનો કેસરીયો લહેરાયો છે, તો બીજી તરફ જાણીતા નેતાઓને જનતાએ જાકારો આપતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

દિગ્ગજોનો પરાજય: રાજકીય ભૂકંપ

આ ચૂંટણીમાં સૌથી મોટો અપસેટ પૂર્વ પદાધિકારીઓની હારથી સર્જાયો છે. જેમાં મુખ્યત્વે ભાજપમાંથી
નીરવ પટેલ (પૂર્વ ઉપપ્રમુખ), અપક્ષ ઉમેદવારી કરનાર અલ્પેશ પંડ્યા (પૂર્વ કારોબારી ચેરમેન) નિમેશસિંહ જામ ભાજપ,જ્યારે અપક્ષ ઉમેદવારોમાં નીતિન શાહ, મોન્ટુ ભટ્ટ, નેહા પટેલ અને અનંત પટેલ જેવા દિગ્ગજ નેતાઓની કારમી હાર થતા રાજકીય વર્તુળોમાં સોપો પડી ગયો છે. વર્ષોથી સક્રિય રહેલા આ ચહેરાઓને મતદારોએ નકારીને નવા લોકપ્રિય ઉમેદવારો પર પસંદગી ઉતારી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ભાજપે ૧૯ બેઠકો કબજે કરતા જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરના મુખ્ય ચાર રસ્તાઓ પર ઢોલ-નગારાના તાલે ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. નગરજનો પણ મોટી સંખ્યામાં આ ઉજવણીમાં જોડાયા હતા. ફટાકડાની આતશબાજી અને અબીલ-ગુલાલના રંગોથી આખું કપડવંજ રંગાઈ ગયું હતું.


કપડવંજ નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી મળતા હવે ભાજપ માટે સત્તાનો માર્ગ મોકળો બન્યો છે. સ્થાનિક નેતાઓએ જણાવ્યું હતું કે, “આ જીત કાર્યકરોની મહેનત અને જનતાના ભરોસાની જીત છે. ભલે અમુક બેઠકો પર દિગ્ગજ નેતાઓની હાર થઈ હોય, પરંતુ સમગ્રતયા જનતાએ ભાજપના શાસન અને વિકાસની નીતિમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.”
હવે આગામી દિવસોમાં નવા પ્રમુખ અને કારોબારીની રચના પર સૌની મીટ મંડાશે. પરંતુ હાલ તો કપડવંજમાં ભાજપના વિજયી ઉમેદવારો અને સમર્થકો જીતના જશ્નમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે.

કપડવંજ શહેર ભાજપ સંગઠન પ્રમુખ નયન પટેલે ટેલિફોનીક વાતચીત કરતાં જણાવ્યું હતું કપડવંજ શહેરમાં ભાજપનો  ભગવો લહેરાયો છે અને 28 માંથી 19 બેઠકો જીતીને ઇતિહાસ રચ્યો છે.આ ભવ્ય જીતથી પ્રજાએ વિકાસમાં વિશ્વાસ રાખ્યો છે અને ભાજપના ઉમેદવારો પર રાખેલ વિશ્વાસ એ વિકાસની ગતિને વધારવા અને  નવી દિશા આપવા સૌ કાર્ય કરશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.અને આ ઐતિહાસિક જીતનો સાક્ષી બની શક્યો નથી તેનું દુઃખ છે પણ હું ભગવાન કેદારનાથના દર્શને હોવાથી સૌના માટે પ્રાર્થના કરું છું કે કપડવંજના વિકાસ અવિરત ચાલુ રહેશે. પ્રજાએ આપેલા અપાર વિશ્વાસ અને પ્રેમ બદલ નગરજનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!