સત્ય વિચાર દૈનિક

મૃત્યુને હરાવતું માનવતાનું મહાદાન: કપડવંજના ખેડૂતના અંગદાનથી 7 દર્દીઓને મળ્યું નવજીવન

મૃત્યુને હરાવતું માનવતાનું મહાદાન: કપડવંજના ખેડૂતના અંગદાનથી 7 દર્દીઓને મળ્યું નવજીવન


અહેવાલ તસવીર – હરીશ જોશી, કપડવંજ


કપડવંજ તાલુકાના સાવલી ગામના 39 વર્ષીય ખેડૂત મનુભાઈ પરમારના અંગદાનથી માનવતાનું પ્રેરણાદાયક અને હૃદયસ્પર્શી ઉદાહરણ સામે આવ્યું છે. માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મનુભાઈને પ્રથમ સારવાર બાદ 13 એપ્રિલ, 2026ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન 14 એપ્રિલે તેમને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

આ દુઃખદ ક્ષણે સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમના ડોક્ટરોએ મનુભાઈના પરિવારજનોને અંગદાન અંગે સમજાવ્યું હતું. પોતાના પરિવારના આધારસ્તંભને ગુમાવવાનો અપરંપાર દુઃખ હોવા છતાં મનુભાઈની પત્ની અરખાબેન અને પરિવારજનોએ હિંમત અને માનવતાનો પરિચય આપતા અંગદાન કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.

મનુભાઈના અંગદાનથી એક હૃદય, એક લીવર, બે કિડની, બે આંખો તેમજ ત્વચાનું દાન પ્રાપ્ત થયું છે. હૃદય અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીને ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલવામાં આવ્યું છે, જ્યારે લીવર અને બંને કિડની સિવિલ મેડિસિટી કેમ્પસમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપિત કરવામાં આવશે. બંને આંખો એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવી છે અને ત્વચા સિવિલ હોસ્પિટલની સ્કિન બેંકમાં સંગ્રહિત કરવામાં આવી છે.

મનુભાઈના આ મહાદાનથી સાત દર્દીઓને નવી જિંદગી મળવાની શક્યતા ઉભી થઈ છે. આ ઘટના માનવતા, દયા અને પરોપકારનો જીવંત દાખલો બની સમાજને પ્રેરણા આપતી બની છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!