સમયે સમયે માણસના મનમાં પરિવર્તન થાય છે. સિધ્ધાંતો, સમજ અને નિષ્ઠા બદલાતી રહે છે. માણસનું મન અજીબો ગરીબ ઈશ્વરે ઘડેલું છે. સિધ્ધાંતો અને નિષ્ઠા જરૂરીયાત પ્રમાણે પરિવર્તિત થાય છે. માણસ સિધ્ધાંતો છોડી મતલબ તરફ ઢળતો થયો છે. જયાં મતલબ સધાય ત્યાં સમજમાં ફેરફાર કરી લેવો અને જેવી જરૂરીયાત તેવો ઢાળ અપનાવવો, કામ કઢાવી લેવું, સમય સાચવી લેવો. જેવી સમજ કેળવી સિધ્ધાંતો નેવે મૂકી જીવવાનું શરૂ થઈ ગયું છે. કેમ જાણે દોડ-પકડની હરીફાઈ ચાલી રહી હોય તેવું લાગે. (બીજાના ખભા ઉપર બંદૂર મૂકી આગળ નીકળી જવાની હરીફાઈ)
તમામ દોડ આર્થિક સ્થિતિ તરફની થઈ ગઈ છે. જેના ખિસ્સા ગરમ તેની વાહ..વાહ.. ભલે પછી જીવનની પધ્ધતિ ઉતરતી કક્ષાની થઈ ગઈ હોય.. અગાઉ મેં મારા લેખો ‘મતલબ’ ‘મારે શું’ વિગેરેમાં છણાવટ કરી જ છે. પણ આજે માણસ માણસને ભૂલી માણસાઈને ભૂલી અને પૈસા તરફ આંધળી દોટ મૂકીછે. સાચા-ખોટાનું ભાન ભૂલી ગયો છે. આ દોડમાં જુબાન પણ મીઠી અને સરળ બની ગઈ છે. જાણે બધા પોતાના જ છે. વર્તન તો એવું જ લાગે… પણ ભીતરમાં ડોકીયું કરી ઝીણવટપૂર્વક જુઓ તો………
આજનો માણસ જીભ ઉપર સુગર ફેકટરી અને મગજમાં આઈસ ફેકટરી વસાવી ચાલે છે. અને તેને જ પોતાનો વિકાસ અને સમજણ સમજે છે. દા.ત. એક વ્યકિત કોઈની પાસે ઉછીના નાણાં માંગે તો જવાબ નહીં આપવાનો અને ખંધુ હસવાનું. અથવા તો જવાબ આપે તો કેવો- તમે અમારા નાના માણસની શું કરવા મશ્કરી કરો છો. તમે પોતે જ સક્ષમ છો. આમ મીઠો અને સરળ જવાબ આપી માંગનાર વ્યકિતને કંઈ બોલવાનું જ ન રહે તેમ વાત કાઢી નાંખે છે. સ્પષ્ટ અને ચોકકસ જવાબ ન આપતાં વાત ટાળી કાઢવાનો નુસખો અખત્યાર કરે છે. માંગનાર વ્યકિત સમજી જ જાય છે કે, નાણાં ન આપવાનો જવાબ છે. સીફતપૂર્વક છટકવાની સરસ યુકિત આજનો માણસ શીખી ગયો છે.
કોઈપણ કામ માટે અન્ય વ્યકિતને રજુઆત થાય ત્યારે હું આગળ જોઈશ, કોઈને શોધીને કહેવડાવીશ. તમે પોતે જ કાબેલ છો. આવા ઘણા શબ્દોથી બીજાને મદદરૂપ ન થવાના કીમીયા કરતો માણસ પોતાની જાતને પણ છેતરતો થયો છે. ખરેખર પોતે જે વ્યકિતને મદદરૂપ થઈ શકે તેમ હોવા છતાં પોતાનું મહત્વ વધારવા અને પોતાની આગળ પાછળ કેમ કરી સામેની વ્યકિત લાળ પાડે તેનો આનંદ મેળવવામાં મશગૂલ બન્યો છે. સામેની વ્યકિતનું કામ તો કરતો જ નથી, પણ ધકકા ખવડાવે રાખે, નિયમો બતાવે, જરૂર ફોન કરીશ, કરાવી દઈશ વિગેરે.. વિગેરે…પ્રલોભનો આપવાના…
અલબત્ત, કહેવાનો આશય એ જ છે કે, માણસ માણસાઈ ભૂલ્યો છે. સંબંધો, માન-મર્યાદા, નિષ્ઠા અને વફાદારી ભૂલ્યો છે. ફકત પોતાનો જ સ્વાર્થ વિચારે છે. બીજાના કામમાં કયાંય તકલીફ લેવા તૈયાર નથી. બીજાનું કામ કરવા પોતાના સંબંધોનો ઉપયોગ કરવા માંગતો નથી. બીજાનુંકામ કરી મને શું મળવાનું ? બીજાનું કામ કરાવી હું શા માટે કોઈનું અહેસાન મારા શીરે ચઢાવું? આવું વિચારીને મદદરૂપ થવા ઈચ્છતો નથી. ફકત પોતાના પુરતો જ વિચાર કરવાનો.. આમ માણસ સ્વકેન્દ્રી બન્યો છે.
અપવાદરૂપ માણસો પણ આ દુનિયામાં છે જ. જે પોતાના નાણાં, સમય, સમજ અને ઓળખાણના ઉપયોગથી બીજાને મદદરૂપ થનારા નિઃસ્વાર્થ માણસો પણ છે.
બ્રહમસ્વરૂપ વિશ્વવંદનીય પ.પૂ. પ્રમુખસ્વામી બાપા અને પ્રગટ ગુરુહરિ ૫.પૂ. મહંતસ્વામી બાપા નિર્દોષ, નિ:સ્વાર્થ અને પરોપકારી છે. આવા સંત વિભૂતિ દિલમાં ઈશ્વરનો સાક્ષાત્કાર લઈ આ પૃથ્વી પર વિચરણ કરે છે. માટે જ દુનિયાનું અસ્તિત્વ આધ્યામિક બળથી ટકી રહયું છે.
બંકિમચંદ્ર બ્રહ્મભટ્ટ ‘ચંદ્ર’ અમદાવાદ


